સંયોગવર્ણન

( નર્મદના સમયમાં પ્રવર્તમાન જોડણી અને શબ્દ-ઉચ્ચારણ યથાવત્ રાખી આ રચના રજૂ કરી છે.)

 

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;

ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.

વ્હાણે ઉઠી સાથ ફરે સુબાગે1, જોતાં ફુલો સાંભળતાં ખગોને2;

આવી ફરી તે દુધ ચાહ પીએ, વાંચે લખે ને ઘરકામ જોએ.

શોડેદશે3 તો જમવાનું થાએ, કામે પિયૂડો પછિ રોજ જાએ;

કોટિ કરીને ચુમિઓ લઈને, આંખો ઘણી ચંચળ મેળવીને.

સીવે ભરે ને લખતી હિસાબ, સૂએ બપોરે પછિ થોડિ વાર;

ત્રંણેક વાગે ઉઠિ કેશ હોળે, ધોઈ પછી તે ઘસિ મ્હોડૂં લોહે4.

ફેરે ઘણી તસ્તસ કાંચળી જ, જે લાલ કાળી લિલિ ને સફેત;

સાડિ રુડી રેશમિ લાંબી ફોળી, કાળી પિળી લાલ ગુલાબિ ધોળી.

શોભે સુનાની5 કર પાટલીઓ, જાંબૂડિયા બેસતિ બંગડીઓ;

કંઠો બિરાજે મણિયુક્ત કંઠે, મોતીતણા હાર રમે સુહૈડે.

ઝીણી સુંચાઈ કરિ હીંગોળોકે6, વસ્ત્રો સુવાસે ભરિ નાખિને તે;

શૃંગાર એવો જુગતે7 સજીને, જોતાં સુખાપે રસથી ફૂલી રે.

આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;

જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.

ફેરે ફુલો ને સુંઘતાં ફુલો ને, ખાતાં સુમેવો જ લિલો સુકો તે;

દીપે પિઈને પનિયાં8 સુમારે, ઘેલે મુખે તે હસતાં સુગાલે.

વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;

અતીસ9 જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.

નીશા પડેથી પછિ તે ઉઠે છે, ધીમે ધિમે ચાંદનિમાં ફરે છે;

સાતેક વાગે ઘરમાં જઈને, વસ્ત્રો ઉતારિ જમવા જ બેસે.

ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;

એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.

ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;

જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.

આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં10 ઈ;

પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ11 કરેછ હેતે.

બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ12 માંડે પછિ મોટ ઘેલાં;

નાના પ્રકારે13 રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.

આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;

વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા14 વિટલાય ગાલે.

ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;

પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

(અનુષ્ટુપ)

એ પ્રમાણે સુખી જોડૂં, આનંદો ઉરમાં ભરે,

ઋતઋતતણા રંગી, કામ કલ્લોલને તરે.

દંપતી સાંબકેરી તે, પૂજા નિત્ય કરે ઘણી,

માને પાડ વળી ઝાઝા, ગાઈને સ્તુતિ તે તણી.

 

 

(1= બાગમાં ફરે, 2= પક્ષીઓને, 3= સાડા દસ વાગ્યે, 4= લૂછે, 5= સોનાની,  6= સુગંધીદાર પદાર્થો, 7= આછું,  8= નશીલો પદાર્થ, 9= અતિ, 10= તૂટક તૂટક શબ્દો (પ્યારમાં સંબોધનો અડધા અને અસ્પષ્ટ થઈ જાય છે તેવો ઉલ્લેખ) 11=  ઊંચે દમે કોટિ કરવી એ ઉત્તમ નાયક નો કામશાસ્ત્ર પ્રમાણેનો વિલાસ છે, 12= રતિયુદ્ધ, 13= અનેક પ્રકારે, સંભોગ પછી છૂટી ગયેલાં વાળ)