મૃત્યુ ન કહો - હરીન્દ્ર દવે
મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.
દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
'આવજો' કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.
જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
- હરીન્દ્ર દવે
ઘણા વખતથી આ ગઝલ મનમાં રમતી હતી. મૃત્યુને નવી રીતે જોવાની વાત અહીં સરસ રીતે આવી છે. ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,'આવજો' કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો, એ મારી પ્રિય પંક્તિ છે. આ ગઝલ આખી શોધી આપવા માટે આભાર, ક્લ્પન.



2 Comments:
ખુબ જ સુંદર ગઝલ છે
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
મૃત્યુને નવી રીતે જોનાર કવીઓમાં શ્રી ઉદયન ઠક્કર ની રચના મરતા માણસની ગઝલ પહેલા અહી જ વાંચી પતી તે પણ સુંદર હતી
આખી રચના જ ઘણી સુંદર છે.... દરેક શબ્દમાંથી કવિત્વ ટપકે છે... આવું વાંચીએ તો મોત પણ વ્હાલું લાગી આવે...
-વૈશાલી
Post a Comment
<< Home