રમેશ પારેખ - શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
-રમેશ પારેખ
રમેશ પારેખ ફક્ત ગીતકાર તરીકે યાદ કરાશે એમ કહેવામાં એમની ગઝલો આડે આવે છે.કેટલાંક છંદદોષને બાદ કરીએ તો ભાષા-વૈવિધ્ય, અંદાજે-બયાં, મૌસિકી અને શેરિયતથી છલકાતી એમની ગઝલો સદાને માટે આપણી ભાષામાં મોખરાના સ્થાને વિરાજમાન રહેશે. ર.પા.ની ઘણી વિખ્યાત પણ હજી સુધી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ નથી એવી એક ગઝલ અહીં રજૂ કરીએ છીએ. ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો કદાચ સૌથી સરળ છતાં સૌથી ઉત્તમ ! અને મક્તો જુઓ: શબ્દોને આશીર્વાદ તો ર.પા. જ આપી શકે ને! વાજીકરણ શબ્દને કાફિયા તરીકે વાપરવાની છાતી તો અમરેલીના નાથ વિના કોની કને હોય!
(ક્લૈબ્ય=નપુંસકતા, વાજીકરણ= વીર્યવર્ધક ઔષધપ્રયોગ)



3 Comments:
mitr vivek,
R.P. ni aa gajal... maate fari aaje pan aabhaar.
meena
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
વાસ્તવીકતાનુ સુંદર નિરૂપણ......
9/11 પછીના દિવસોમાં જ્યારે એંથ્રેક્સવાળા પરબીડિયાનો આતંક ફેલાયેલો ત્યારે મને મારા દોસ્ત કલ્પને આ ગઝલનો પહેલો શેર મોકલેલો. એ પર હસવું કે રડવું એ જ મને સમજાયું નહોતું ! ર.પા.ને જો કોઈએ આ શેર આ સંદર્ભમાં કહ્યો હોત તો એ શું કહેત ?
Post a Comment
<< Home