એમ પૂછીને થાય નહીં : તુષાર શુક્લ
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
તુષાર શુકલ (29-9-1955) કવિ ઉપરાંત સારા સંચાલક પણ છે. તેઓ આકાશવાણી, અમદાવાદ સાથે સંકળાયેલા છે. એમની આ રચના શ્યામલ મુન્શીના કંઠે ‘હસ્તાક્ષર’ આલ્બમમાં સ્વરાંકિત થઈ છે.



4 Comments:
બહુ જ મઝાનું કાવ્ય. દીલમાંથી સીધ્ધું કાગળ પર ઉતરી આવ્યું હોય એવું તદ્દન શુધ્ધ અને સરળ કાવ્ય. કાવ્યથી વધારે જરુરી તો મૂળ મુદ્દાની વાત -'પૂછીને થાય નહીં પ્રેમ'... સત્તર આના સાચી વાત !
ભુલ સુધારવા બદલ આભાર, વીવેકભાઈ
I was searching for this since long time. Thank you Tushar and Dhaval!
Just too good.......
Post a Comment
<< Home