ફૂલમાળ – ઝવેરચંદ મેઘાણી
વીરા મારા ! પાંચ રે સિંધુને સમશાન
રોપાણાં ત્રણ રૂખડાં હો...જી 1
વીરા ! એની ડાળિયું અડી આસમાન :
મુગતિના ઝરે ફૂલડાં હો...જી
વીરા ! તારાં ફૂલ રે સરીખડાં શરીર :
ઇંધણ તોય ઓછાં પડ્યાં હો...જી
વીરા મારા ! સતલજ નદીને તીર
પિંજર પૂરાં નો બળ્યાં હો...જી
વીરા ! તારી ચિતામાં ધખધખતી વરાળ
નવ નવ ખંડે લાગિયું હો...જી
વીરા ! તારી નહિ રે જંપે પ્રાણઝાળ :
ઠારેલી ભલે ટાઢિયું હો...જી
વીરા ! તારા પંથડા વિજન ને અઘોર :
ઓરાણો તું તો આગમાં હો...જી
વીરા ! તારાં વસમાં જિગરનાં જોર :
લાડકડા ! ખમા ખમા હો...જી
વીરા ! તારે મુખડલે માતાજી કેરાં દૂધ
ધાવેલાં હજી ફોરતાં હો...જી
વીરા ! એવી બાળુડી ઉંમરમાં ભભૂત
જાણ્યું તેં, જોગી, ચોળતાં હો...જી
વીરા ! તારા ગગને ઉછળતાં ઉલ્લાસ
દુનિયાથી દૂરે દોડવા હો...જી
વીરા ! તારે અચળ હતા વિશ્વાસ
જનમીને ફરી આવવા હો...જી
વીરા ! તારે નો’તા રે દોખી ને નો’તા દાવ 2 & 3
તરસ્યોયે નો’તો રક્તનો હો...જી
વીરા ! તારી છાતીએ છલ્યો ભવ્ય ભાવ
માભૂમિ કેરા ભક્તનો હો...જી
વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ :
પે’રીને પળ્યો પોંખણે હો...જી 4 & 5
વીરા ! તારું વદન હસે ઊજમાળ
સ્વાધીનતાના તોરણે હો...જી
ઝવેરચંદ મેઘાણી
પંચોતેર વર્ષ પૂર્વે આજે, ત્રેવીસમી માર્ચે, અંગ્રેજોએ છળપૂર્વક નિર્ધારિત દિવસથી પહેલાં જ પ્રજાના રોષથી બચવા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપીને એમના મૃતદેહોને કાયરતાપૂર્વક સતલજના કાંઠે અધકચરો અગ્નિસંસ્કાર આપ્યો હતો. એ ત્રણ લબરમૂછિયા નવજવાનોને સમર્પિત ‘રાષ્ટ્રીય શાયર’ ઝવેરચંદ મેઘાણીનું આ કાવ્ય આજે પણ આપણા રૂંવાડા થથરાવી જાય છે. અગમ્ય કારણોસર શહીદદિન તરીકે આજનો દિવસ ભલે ઓળખવામાં આવ્યો ન હોય, લયસ્તરો તરફથી એ ત્રણે તથા માભોમ પર ફના થનાર તમામ શહીદોને આજના દિવસે અમારી આ નાનકડી શબ્દાંજલિ છે.
(1 ત્રણ રૂખડાં= ત્રણ વૃક્ષો (ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ), 2 દોખી= દુશ્મન,
3 દાવ= વિરોધી, 4 પળ્યો= જવું, 5 પોંખણે=નવદંપતીને લગ્ન પછી પોંખીને અપાતો આવકાર.)



3 Comments:
Great post, Vivek.
એક ઉત્તમ શાયર દ્વારા ત્રણ શહિદોનુ સન્માન યથોચિત છે
સાચા અર્થમા સુંદર શબ્દાંજલી છે, વિવેકભાઈ
નહી તો આજે કયાં સમય છે કોઈની પાસે આ શહીદોને યાદ કરવાનો !!!!!
તેમના સ્મરણની સહેજ ઝાંખી કરાવતી ફિલ્મ "રંગ દે બસંતી" ને પણ આજ ના યુવાનો " હથોડો " કે
" તવો " જેવા શબ્દોથી નવાઝે છે
ર્હદયને ગમ્યો આ પ્રયાસ ...
Post a Comment
<< Home