ગળતું જામ છે - 'મરીઝ'
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- 'મરીઝ'



3 Comments:
મારો પ્રિય શેર છે આ-
છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
અને આ છે ગુજરાતીના સર્વકાલીન સર્વોત્કૃષ્ટ શેરમાંનો એક-
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો 'મરીઝ',
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
હા, એ જ મારો પણ પ્રિય શેર છે. મારા માટે હું એને આમ બદલીને વાંચું છું -
છે સ્ખલન સો બસો પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.
:-) :-) :-)
I heard this song in great voice of Begam Akhatar.Does anybody have copy of it ?
Post a Comment
<< Home