વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના
આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !
ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છાંય’.



1 Comments:
I have been reading this poem over and over again... and everytime I love it more. It grows on you !
Post a Comment
<< Home