પગ મને ધોવા દ્યો રઘુરાય – દુલા ભાયા 'કાગ'
‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી...
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક
રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧
’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨
જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩
’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪
નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫
’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. ૬
આજે જ્યારે દુલા ભાયા 'કાગ'ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)



2 Comments:
ધવલભાઈ.
આજે દુલાભાયા ની પૂણ્યતિથિ નિમીતે આપે તેમની રચના મૂકી યોગ્ય શ્રદ્રાંજલિ આપી છે.
અત્યારે હું માણસાઈના દીવા વાંચી રહ્યો છું. એમાંની ઝવેરચંદ મેઘાણીની ભાષા અને અહીં 'કાગ'ની ભાષા વાંચીને થાય છે કે ખરે ધરતીની મહેક હોય તો આ ભાષામાં. આવી મીઠાશ બીજે જડવી અશક્ય !
Post a Comment
<< Home