વાતોની કુંજગલી - જગદીશ જોષી
વાતે વાતે તને વાંકું પડ્યું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું!
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
- જગદીશ જોષી



1 Comments:
"ખોબો ભરીને અમે" અને "એક સર્વકાલિન વાર્તા" _-જગદીશભાઇ જોશીની બન્ને જણીતી રચનાઓથી એમનો પરિચય હતો.
"વાતે વાતે તને વાંકું પડ્યું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી."
ખૂબજ સરસ રચના છે...!
વૈશાલી
Post a Comment
<< Home