આવો ! - મકરંદ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું,
તમે અત્તર રંગીલા રસદાર;
તરબોળી દ્યો ને તારેતારને,
વીંધો અમને વ્હાલા, આરંપાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે, સૂના ઘરનું જાળિયું,
તમે તાતા તેજના અવતાર;
ભેદીને ભીડેલા ભોગળ-આગળા,
ભરો લખ લખ અદીઠા અંબાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
અમે રે ઊધઈખાધું ઈધણું,
તમે ધગધગ ધૂણીના અંગાર;
પડેપડ પ્રજાળો વ્હાલા, વેગથી,
આપો અમને અગનના શણગાર:
આવો, રે આવો હો જીવણ, આમના.
- મકરંદ દવે
આ ભક્તિગીતમાં ઈશ્વર માટે કવિ જીવણ શબ્દ વાપરે છે. કવિએ અહીં અદભૂત રૂપકોની રેલમછેલ કરી દીધી છે. આપણા શ્રેષ્ઠ સર્જકોમાંથી એક એવા મકરંદ દવેના અવસાનને આ મહીનાના અંતે એક વર્ષ પૂરું થશે.



3 Comments:
Excellent bhakti-geet....Alas!
સાવ નિર્માલ્ય કહી શકાય એવા ત્રણ મામૂલી પ્રતિકોને અક્ષરદેહ આપીને ઈશ્વરમાં કણ-કણ સુધી ઓતપ્રોત થવાની અદમ્ય તાલાવેલીનું આનાથી વધુ વેધક ઉદાહરણ કદાચ જડવું દુર્લભ છે.
ધવલભાઈ,
ખૂબ જ સરસ રચના છે. તમે અને વિવેકભાઈએ રંગ જમાવી દીધો છે.
સિદ્ધાર્થ શાહ
Post a Comment
<< Home