રસ્તા વસંતના
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !
મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
-મનોજ ખંડેરિયા



1 Comments:
આ મારી અતિપ્રિય કવિતા છે. ઘણા સમયથી શોધતો હતો અને આજે તમારી સાઈટ પર મળી ગઈ છે. ઘણો ઘણૉ આભાર આ કવિતા પ્રસ્તૂત કરવા બદલ.
સિદ્ધાર્થ શાહ
Post a Comment
<< Home